એક વર્ષે એક અફવા ફેલાય છે, અને બીજે વર્ષે બીજી ફેલાઈ છે. દેશમાં બધે આંતરિક યુદ્ધો અને જુલમ ચાલી રહ્યા છે.
47 તેથી, જુઓ એવા દિવસો આવી રહ્યા છે, કે જ્યારે બાબિલની મૂર્તિઓને હું સજા કરનાર છું.
આખો દેશ લજ્જિત થશે, અને તેના બધા માણસો કપાઇને પડ્યા હશે.
48 ત્યારે આકાશ અને પૃથ્વી તેમ જ તેમાંનું સર્વ બાબિલના પતનથી હર્ષના પોકારો કરશે. એવું યહોવાહ કહે છે.
ઉત્તરમાંથી લોકો આવીને તેનો નાશ કરશે,
49 “બાબિલે જેમ ઇઝરાયલના કતલ થયેલાઓને પાડ્યા છે.
તેમ બાબિલના કતલ થયેલાઓને તેઓએ પાડ્યા છે.
બાબિલમાંના ઇઝરાયલીઓને ઈશ્વરનો સંદેશો
50 તમે જેઓ તેની તલવારનો ભોગ બનતા બચી ગયા છો, તે નાસી જાઓ રોકાશો નહિ દૂર દેશમાં,
યહોવાહને સંભારજો અને યરુશાલેમને ભૂલશો નહિ.”
51 અમે નિંદા સાંભળી છે. તેથી અમે લજ્જિત થયા છીએ,
કેમ કે, પરદેશીઓ યહોવાહના ઘરમાં પેસી ગયા છે.
52 તેથી યહોવાહ કહે છે, જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું બાબિલની મૂર્તિઓને સજા કરીશ
અને સમગ્ર દેશમાં ઘાયલ થયેલા માણસો નિસાસા નાખશે.
53 જો કે બાબિલ આકાશે પહોંચે તોપણ અને તે પોતાના ઊંચા કોટોની કિલ્લેબંધી કરે
તોપણ મારી પાસેથી તેના પર વિનાશક આવશે.’ એવું યહોવાહ કહે છે.
બાબિલના વધુ પતન વિષે
54 બાબિલમાંથી આવતા રુદનનાસ્વર અને જ્યાં ખાલદીઓ શાસન કરે છે ત્યાંથી આવતા ભયંકર વિનાશના અવાજો સંભળાય છે.
55 યહોવાહ બાબિલનો વિનાશ કરી રહ્યા છે. અને તેના કોલાહલને શમાવી રહ્યા છે.
શત્રુઓનું સૈન્ય મહાસાગરના તરંગોની જેમ ગર્જના અને ઘૂઘવાટા કરતું ધસી રહ્યું છે.
56 કેમ કે તેના પર એટલે બાબિલ પર વિનાશક આવી પહોંચ્યો છે. તેના યોદ્ધાઓ કેદ પકડાયા છે
અને તેઓનાં ધનુષ્ય તોડી પડાયાં છે, કેમ કે યહોવાહ તો પ્રતિફળ આપનારા ઈશ્વર છે.; તે નિશ્ચે બદલો લેશે.
57 સૈન્યોના યહોવાહ કહે છે, આ રાજાનો હુકુમ છે “હું તેના સરદારોને, જ્ઞાની માણસોને, રાજકર્તાઓને, અધિકારીઓને તથા શૂરવીર યોદ્ધાઓને ચકચૂર કરીશ,
તેઓ અનંત નિદ્રામાં પોઢી જશે, ફરી કદી જાગશે જ નહિ.
58 સૈન્યોના યહોવાહ કહે છે, બાબિલની મજબૂત દીવાલો ભોંયભેગી થઈ જશે,
તેના ઊંચા દરવાજાને આગ ચાંપવામાં આવશે,
જે બાંધવા માટે ઘણા લોકોએ પોતાની જાતને ઘસી નાખી હતી તે બધું ભસ્મ થઈ જશે, લોકોએ કરેલી બધી મહેનત ધૂળમાં મળી જશે.”
બાબિલના વિનાશની યર્મિયાએ પાઠવેલી નિશાની
59 યહૂદિયાના રાજા સિદકિયાના શાસનના ચોથા વર્ષમાં જ્યારે તેની સાથે યહૂદિયાના રાજા માસેયાના દીકરા નેરિયાનો દીકરા સરાયા બાબિલ ગયો, ત્યારે જે સૂચનાઓ યર્મિયા પ્રબોધકે સરાયાને આપી તે આ છે. સરાયા તો લશ્કરનો મુખ્ય અધિકારી હતો. 60 યર્મિયાએ એક પુસ્તકમાં બાબિલ પર આવનારી આફતનું પૂરું વર્ણન અહીં જે બધું નોંધવામાં આવેલું છે તે લખી કાઢયું હતું.
61 યર્મિયાએ સરાયાને કહ્યું, જ્યારે તું બાબિલ પહોંચે ત્યારે આમાંના શબ્દે શબ્દ અચૂક વાંચી સંભળાવજે. 62 અને કહેજે કે, હે યહોવાહ, તમે જાતે જાહેર કર્યું છે કે, આ જગ્યાનો નાશ કરવામાં આવશે, અહીં ફરી કોઈ વાસો કરશે નહિ. માણસ કે પશુ કોઈ નહિ. તે સદાકાળ ઉજ્જડ રહેશે.’ ”
63 જ્યારે તું આ પુસ્તક વાંચી રહે ત્યારે તેને પથ્થરો બાંધીને ફ્રાત નદીની વચ્ચોવચ્ચ નાખી દેજે. 64 અને કહે જે કે, આવા જ હાલ બાબિલના થશે, યહોવાહ બાબિલ પર એવી આફત લાવનાર છે જેથી તે ડૂબી જાય અને ફરી કદી ઉપર આવે નહિ.’ અહીં યર્મિયાનાં વચન પૂરાં થાય છે.