12 દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’ ” 13 આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા. 14 તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ. 15 માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’ ” 16 પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી. 17 ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’ ” 18 ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’ ” 19 ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’ 20 તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે. 21 એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે. 22 ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.
23 પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો; 24 અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’ ” 25 તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે, 26 ‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ. 27 આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો. 28 તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો. 29 ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી. 30 જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’ ” 31 ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા. 32 પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા. 33 તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો. 34 તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે, 35 ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’ ”
<- પ્રેરિતોનાં કૃત્યો 22પ્રેરિતોનાં કૃત્યો 24 ->