Link to home pageLanguagesLink to all Bible versions on this site
16
ફાળો ઉઘરાવવા વિષે

1 હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો. 2 હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.

3 જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ. 4 જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.

મુસાફરી માટે પાઉલનો કાર્યક્રમ

5 હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ. 6 હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.

7 કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું. 8 પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ; 9 કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.

10 પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે. 11 એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું. 12 હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.

વિદાયવચનો

13 જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ. 14 તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.

15 ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે, 16 તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.

17 સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે. 18 તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.

19 આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે. 20 સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.

21 હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું. 22 જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ. 23 આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો. 24 ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.